યોગી હેલિકોપ્ટરથી ઝારખંડ-બંગાળની બોર્ડર નગેન મોડ તક સુધી ગયા. ત્યાંથી તેઓ રોડ માર્ગે બાંગડા પહોંચ્યા હતા. આ પહેલાં 3 ફેબ્રુઆરીએ બાલુરઘાટમાં યોગીની રેલી હતી, જેના માટે હેલિકોપ્ટર લેન્ડિંગની મંજૂરી આપવામાં આવી ન હતી. જે બાદ યોગીએ ફોન પર કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. ભાજપ નેતાઓએ ચૂંટણી પંચને મમતા સરકારની ફરિયાદ કરી હતી. જે બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે યોગીથી પોતાનો પ્રદેશ સંભાળી નથી શકાતો, તેઓ ચૂંટણી હારી જશે તેથી તેઓ બંગાળમાં ફરી રહ્યાં છે.
યોગી સરકારનાં મંત્રી મોહસીન રજાએ ટ્વીટ કરીને મમતા સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે ટ્વીટ કરીને કહ્યું- રોહિંગ્યા આવી શકે છે, આંતકવાદી પણ આવી શકે છે. વિદેશી ઘૂસણખોરો પણ આવી શકે છે. પરંતુ એક મુખ્યમંત્રી, એક રાષ્ટ્રીય અધ્યક્ષ અને CBI બંગાળમાં ન પ્રવેશી શકે. સુપ્રીમ કોર્ટનાં આદેશ બંગાળમાં લાગુ નહીં થઈ શકે. રાષ્ટ્રવાદી કાર્યકર્તાઓની બંગાળમાં હત્યા કરી દેવામાં આવે છે. મમતાજી.. હાઉ ઈઝ ધ ખોફ?
યોગીએ કહ્યું હતુ કે, મમતા સરકાર અરાજકતા અને લોકતંત્ર વિરોધી બની ચુકી છે. મમતા સરકારે ડરીને મને રોકવાનું ષડ્યંત્ર રચ્યુ છે. મારે પીએમ મોદીનાં ડિઝીટલ ઈન્ડિયાનાં માધ્યમથી કાર્યકર્તાઓને સંબોધવા પડ્યા હતા.
રવિવારે યોગી દક્ષિણ બંગાળનાં દિનાજપુર જિલ્લામાં ચૂંટણીલક્ષી રેલી કરવાના હતા. પરંતુ રાજ્ય સરકારે કોલકાતામાં તેમના હેલિકોપ્ટરને ઉતરવાની પરવાનગી આપી ન હતી. ત્યારબાદ યોગીએ ફોનથી કાર્યકર્તાઓને સંબોધ્યા હતા.
આ મામલે સોમવારે ભાજપનાં નેતાઓએ ચૂંટણીપંચને મમતા સરકારની ફરિયાદ કરી હતી. કમિશનની મુલાકાત બાદ રક્ષામંત્રી નિર્મલા સીતારામણે કહ્યું કે અમે કમિશનને જણાવ્યું હતુ કે, કેવી રીતે ષડયંત્ર રચીને બંગાળમાં ભાજપનાં નેતાઓને પહોંચવાથી રોકવામાં આવી રહ્યું છે. જે લોકતંત્રની વિરોધમાં છે.